Month: September 2016
કેફિયત – “ઉદાસ”
“ઉદાસ” શબ્દ જ ગઝલોના શબ્દપ્રયોગોનો દાસ છે. ઉદાસ શબ્દથી જ ગઝલમાં કંઈક ભીનાશ આવી જાય છે. કોઈક કવિને એની પ્રેમિકાના વિરહથી રાત ઉદાસ લાગે છે તો એક બાપને એની દીકરીની વિદાયથી આંગણું ઉદાસ લાગે છે..કોઈક વિચારકને વૈશાખે ચઢેલી મૌસમ ઉદાસ લાગે છે તો કોઈકને પંખીના ટહુકા ઉદાસ લાગે છે. કોઈકને નેહ નીતરતી વ્હાલમની હાજરી ઉદાસ લાગે છે તો રાધાના વિરહમાં કાનુડાની વાંસળીના સૂર ઉદાસ છે. ફકીરે એનાં કપરાં સમયમાં ખુદને પાડેલી હાંક ઉદાસ લાગે છે.
ઉદાસ સ્થિતિમાં વિચારો મન ઊપર દાસ બનીને રાજ કરે છે. ભર ઉજાસે પાંપણના પૉપચે જો અંધકાર અનુભવાય તો સમજવું કે મન ઉદાસ છે.
શબ્દ અને પરિસ્થિતિથી રંગોળી પૂરી કાવ્ય/ગઝલ રચવામાં પારંગત એવા શોભિત દેસાઈ એક ખુબ જ ગમગીન ગઝલ આપે છે, “બહુ ઉદાસ છે રાત” ગઝલનો રદીફ જ આખી ગઝલની જુબાની આપી દે છે,એ કહે છે કે,
કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત
તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત
– શોભિત દેસાઈ
પ્રકૃતિ સાથે મેળ કરીને કવિ એમની ઉદાસ રાતોનું બખૂબી વર્ણન કરે છે, ક્યાંય એમની કોયલના ટહુકાં નથી સંભળાતા એમને કે ના તો એમના દોસ્તની સુવાસ અનુભવાતી. દોસ્ત એટલે?? રાત ઉદાસ કરી શકે એ તો કવિનો કોઈક ખાસ દોસ્ત જ હશે!
એવા જ વિરહના એક કાયદા સાથે કવિ શ્રી ભગવતીકુમાર શર્મા કહે છે કે,
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
– ભગવતીકુમાર શર્મા
સૂરજ હંમેશા તખમખતો જ હોય છે, એની લાલાશને પણ આજે આ ઉદાસી ચુનૌતી આપે છે અને આજે આ સાંજને પણ તારા વિના માઠું લાગ્યું છે અને ડૂસકાં ભરે છે.
ઉદાસ શબ્દથી ક્યાંક કોઈક કવિની રાત ઉદાસ થાય છે તો કોઈકની સાંજ ડૂસકાં ભરે છે. સાચેજ આ શબ્દ “ઉદાસ” ગઝલનો દાસ છે.
મૃત શબ્દોને પણ પોતાની કલમથી અમૃત પાઈને અમર કરી શકનાર શાયર અમૃત ઘાયલ લખે છે કે,
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
– અમૃત ઘાયલ.
ભર જવાનીએ ઘવાયેલા કાળજા પર લાગેલા ઘાવને મીનાકારી સાથે સરખાવતાં કવિ મોજના દિવસોમાં ક્યાંક પ્રેમના પડછાયાને ભટકાયા અને ઉદાસીને નોતરું આપી બેઠાં છે. એજ કવિ એમની એક ગઝલનું જન્મતા પહેલાં જ મૃત્યુ થયું હોય તેવી રજૂઆત થયા વગરની ગઝલ માટેની લાગણી વ્યક્ત કરતાં કહે છે કે,
એક મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં,
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર.
– અમૃત ઘાયલ.
“ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમના..” અને “સરકી જાય આ પળ..” જેવા લયબદ્ધ ગીતો આપનાર કવિ શ્રી મણિલાલ દેસાઈ પણ ઉદાસ પળને એમની કાવ્ય પંક્તિમાં ટાંકવાનો અવસર ઝીલે છે, ઉદાસીને પણ ઋતુઓની અસર વર્ણવતા કવિ લખે છે કે,
લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીના
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો
– મણિલાલ દેસાઈ
મરીઝ સાહેબે ગુજરાતી સાહિત્યને અનેક ચિરંજીવી ગઝલો આપી છે, શબ્દો થકી કબરમાં ફેલાયેલી ઉદાસીનતા જો કોઈ મહેસુસ કરાવી શકે તો તે મરીઝ સાહેબના જ શબ્દો હોય..
મોત પછી પણ ક્યાં આરામ છે!
સદ્દગતિ કબરમાં ક્યાંથી શોધશો?
આ શેરમાં મરીઝસાહેબ કહે છે કે, સજ્જનની કબર હોય કે ગુનેગારની બધેય ઉદાસી તો સરખી જ વ્યાપેલી છે.
અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે
સુજનની કબર કે ગુનેગારની હો
છે સરખી ઉદાસી મઝારે મઝારે
– મરીઝ
કવિ શ્રી સુરેશ દલાલ દીકરી વિદાયની પળને ખુબ ગમગીન શબ્દોમાં વર્ણવે છે, સ્વાભાવિક છે એ સમય બાપની વ્યથા બાપ જ જાણે. શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સંગીતબદ્ધ થયેલ આ ગીતમાં કવિ કહે છે કે જે આંગણે દીકરી નદી પર્વત અને થપ્પો રમતી હતી અને જે દીવાલો એની સાથીદારો હતી એ ભીંતો આજે ઉદાસ છે અને એમના ઉદાસ આંસુઓ છલકાય છે..કે જે સખી કાલે પાપા પગલી કરીને અમારી સાથે રમતી હતી આજે તે તેનાં ગમતા આકાશ પાસે ઉડી ગઈ..
દીકરી ગુંજતી ઘરની દીવાલો,
થશે મૂંગી ને મૌન એનું ખુંચશે
ઠામઠેકાણું મળ્યું એની હાશ રે
પણ આંસુઓ છલકે ઉદાસ રે..
– સુરેશ દલાલ
ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો
અમૃતમાં જે મિલાવ્યો ઉદાસીનો રંગ છે
– હરીન્દ્ર દવે
ધૂળનો રંગ
ધૂળનો રંગ
માફ કર મને માઁ, હું તો ઘવાયો
અને તારી આ બદામી ધૂળનો રંગ પણ રાતો કર્યો.
શ્વાસની ક્યાંક
તો
હજી કૂંપળ ફૂટી હતી,
તારા ખોળામાં મારી જવાનીનું
હજી ફૂલ ખીલ્યું હતું
અને એક અવાજ…
મને ભૂખરો કંકુ કરી ગઈ…
માફ કર મને માઁ,
હું તો ઘવાયો
તારી રક્ષાનું સ્વપ્ન પૂરું કરવા
હું જવાન થયો
પણ
આ એક અવાજ…
મારા મને ક્યાં રાત હતી
ક્યાં દિવસ હતો..
ક્ષણે ક્ષણ
બસ તારી રક્ષા
અને
મારો ઋણ સ્વીકાર,
મારી આ અંતિમ ક્ષણ
પછી
બધાં કહેશે કે મેં મારી માઁ માટે બલિદાન આપ્યું,
પણ, હે માઁ સાચ્ચે હું દાન આપી શકું?!
આ તો ઋણ ચૂકવું છું,
જે ભવોભવમાં ક્યારેય ઉતરવાનું નથી
માઁ..
નિંદર તો એક પંખીનું નામ હતું,
જેને તારી રક્ષા કાજે ક્યારનું ઉડતું મૂકી દીધું હતું,
પણ આજ લાગે છે કે,
આ સુકાયેલી ડાળખી જેવાં શરીર ઉપર
પાછું આવીને બેઠું છે
હંમેશા માટે….