Month: November 2016
કેફિયત – દીવો, દીપક, દીપ
કેફિયત – દીવો, દીપક, દીપ
દીવો, દીપક, દીપ, જ્યોત આવાં શબ્દમાં જ આંતરિક ઉજાસ છે. લગભગ દરેક ધર્મમાં દીપ કે જ્યોત પ્રગટાવવાનો રિવાજ હોય છે. દીપ પ્રાગટ્યમાં દૈવીય શક્તિ તો રહેલી જ છે સાથે સાથે હકારનો અનુભવ પણ છે. આવા દીવો, દીપક, દીપ, જ્યોત જેવાં કુદરતી શબ્દના વપરાશ માત્રથી કવિતા ગઝલ જળહળી ઊઠે છે. આ એક શબ્દના પ્રયોગથી પંક્તિઓના દરેક પ્રાસમાં ઉજાશ ફેલાઈ જાય છે. જ્યોત જેમ નૃત્ય કરે તેમ કાવ્ય/ગઝલ ઊર્મિઓ બની થનગનવા લાગે છે. એટલે જ ઘણાં કવિ/ગઝલકારો આ દીવો, દીપક, દીપ, જ્યોત શબ્દ પ્રયોગ ખુબ માનવંતો રહ્યો છે.
મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા
– અવિનાશ વ્યાસ.
સુર અને શબ્દોના અવિનાશી શ્રી અવિનાશ વ્યાસ લેખિત અને ગૌરાંગ વ્યાસ દ્વારા સ્વરબધ્ધ કરાયેલ પારકી થાપણ ફિલ્મની અમર ગીત રચના “પૂછો તો ખરા”માં કવિ અવિનાશ વ્યાસ મનને મંદિર બનાવીને પ્રિયતમા એનાં રંગરસીયા પ્રીતમને દેવ માને છે અને આ ભાંગી રહેલા સંબંધને અજવાળવા આશાના દીવા પ્રગટાવે છે ક્યાંક એ વિખરાઈ અને આછા પડી ગયેલ સપનાઓ પાછા જળહળીત થાય.
ખલીલ ધનતેજવીની લગભગ દર પાંચ ગઝલે એક ગઝલમાં દિવા અને પવનની જુગલબંધીની વાત હોય છે.
જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.
~
હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
– ખલીલ ધનતેજવી
સાચ્ચે જ..મિત્રો જ નહીં પણ ઘણા લેખકોએ ખલીલ ધનતેજવીના પ્રકાશિત શબ્દોથી જ પ્રોત્સાહિત થઇને પોતાની લખવાની દુકાન ચાલુ કરી છે. પણ શબ્દોમાં સચોટ એવા ખલીલ ધનતેજવીની ગઝલમાં અંધારું તો હોય છે પણ શબ્દનો ચાંદ અને વિચારનો સૂરજ હંમેશા ઝળહળતો હોય છે,
સૂરજનો પર્યાય શોધવો અશક્ય છે પણ કવયિત્રી દિવ્યા રાજેશ મોદી લાગ જોઈને જ બેઠી છે કે સ્થિતિ ક્યાંય નબળી થાય અને અશક્યને પણ શક્ય બનાવી દઈએ.
અમે તો આંખમાં વરસાદના વાદળ ભરી બેઠાં,
અચાનક સ્નેહના આવેશમાં આ શું કરી બેઠાં ?
સવારે સૂર્યને થોડો અમે અસ્વસ્થ જોયો’તો,
અહીં તેથી જ તો આકાશને દીવો ધરી બેઠાં !
– દિવ્યા રાજેશ મોદી
ભાગ્યે જ કોઈ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ એવો હોય જ્યાં અંકિત ત્રિવેદીની શબ્દવર્ષા મોજ બનીને ના વરસતી હોય, અંધારી કોઠડીની અંદર ખુદાની બંદગી કરી ખુદની ખોજ કરતા માણસને પોતાની નજીક લઇ જતી આ પંક્તિ જે લીપી ગુજરાતી પણ ઢબ અને વાણી રાજસ્થાની અને અદા એજ અંકિત ત્રિવેદીની જેમાં કવિ કહે છે કે,
તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા!
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
– અંકિત ત્રિવેદી
એક કવિ ભીતરમાં રહેલા રામને જગાડી જીવતરનો દીવડો પ્રગટાવાની વાત કરે છે તો કવિ “કાન્ત” ભીતરમાં ભક્તિનો દીવો પ્રગટાવી રામને પ્રગટ થવા વિનંતી કરે છે.
મારે ભીતર દીવો જલે ,
કે ,રામ તમે પ્રગટો !
મારા પ્રાણમાં પળે પળે ,
કે, રામ તમે પ્રગટો !
-‘કાન્ત’
પ્રકૃતિના કવિ શ્રી રવીન્દ્ર પારેખને પ્રિયતમાની આંખમાં જ જ્યોતિ દેખાય છે, એને આજીજી કરે છે કે દીવો સહેજ નજીક લઈ આવ તું પણ એમને તો આંખમાં સમાયેલ તેજ સ્પર્શથી પારખવું છે એટલે જ એ દીવાને સહેજ નજીક લાવવાની અરજી કરી પ્રિયતમાને જ નજીક બોલાવે છે અને કહે છે કે,
એક દીવો હાથમાં લઇ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.
આંખ છે કે જ્યોત સમજાતું નથી,
સહેજ તો દીવો નજીક લઇ આવ તું.
– રવીન્દ્ર પારેખ
એ જ કવિ એમના બીજા કાવ્યમાં એ પોતે જ દીવો છે અને એમના અનુભવના ઉજાસે એમનો આધાર લઈને જીવવાની ખુલ્લા દિલની વાત કરે છે અને કહે છે,
હું છું દીવો –
લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો…
– રવીન્દ્ર પારેખ
એક દીવો છાતી કાઢીને
છડેચોક ઝળહળે,
તો એ અંધારાના
સઘળા અહંકારને દળે.
– રમેશ પારેખ
દરેક શૈલીમાં લખનાર કવિ રમેશ પારેખ પણ એક સંઘર્ષ કરતા વ્યક્તિની જાતને દિવા સાથે સરખાવતાં ખુબ સરસ અછાંદસ કાવ્ય આપે છે. આપણી આસપાસનો અંધકાર કે ઉજાસ એ આપણી વિચારશરણી છે એટલે કવિ કવિ હકાર દ્રશ્ય વર્ણવતા કહે છે કે જે વ્યક્તિ છાતી કાઢીને જીવે છે એ એનાં આસપાસ પોતાના અને બીજાના માટે ઉજાસ જ ફેલાવે છે, અંધકારને ક્યાંય દળીને ધૂળ બનાવી દે છે.