‘આ… કર તો બેટા!’
‘આઆઆ……..’
‘થોડું ઊંચું જો તો.’ નરેશના મોંઢામાં ટોર્ચનું અજવાળું પહોંચતા લાળની સાથે લોહીના પોપડાં અને નાની નાની ફુલ્લીઓ પણ ચમકવા લાગી.
‘દાક્તર મૅડમ, અમારા નરયાને જબરી આપદા આવી સે, કોક,કોક દી’ હારું રયે અને વળી પાસું મોંમાં લાય બળે’ કપડાં અને શણગાર પરથી લાગે નહીં કે આ રમીલા કોઈ ગામડિયણ બાઈ હશે.
લ્હેકો અદ્દલ દેહાતી મજૂરનો પણ શણગાર જાણે કે શેઠાણી જેવો. માથે સિંદૂર, આંખે મેસ અને ગળામાં મંગળસૂત્ર એ રમીલાનો રોજનો શણગાર હતો. રમીલા એની ચાલીની રવીના-કરીના હતી, એની બોલીનો લ્હેકો અને ચાલનો લચકો એ બંને એના આકર્ષણનું કારણ હતું. એનો પતિ દિનેશ એને સોનાની લગડીની જેમ બાંધીને જ રાખતો હતો.
કોઈ પણ કારણસર જો એને ગામડે એનાં પરિવાર સાથે મૂકીને આવવાનું થાય તો દિનેશના મોતિયાં જ મરી જતાં.
કેમકે, દિનેશના મા-બાપ સ્વભાવમાં તો સારા જ હતાં પણ “સાસુ એ સાસુ અને સસરા એ સસરા”. સાથે સાથ રમીલાનો જેઠ અને જેઠના ભાઈબંધો બધાં જ વરુ જેવાં લાગતા.
આ તો રંગબેરંગી પતંગિયું રખેને કોઈ બીજી ડાળીએ બેસી જાય એવી પણ અસલામતી તો દિનેશને ખરી જ.
‘રમીલા, નરેશને મોંના તાળવે નાની નાની ફુલ્લીઓ અને ચાંદા પડ્યા છે.’ ડૉ સુહાની નરેશને તપાસીને એમનાં ટેબલ પાસે ગયાં.
‘આવું એને કેટલાં સમયથી થાય છે?’, કોઈ ચોક્કસ ઋતુ, કે ખાણીપીણીની ખોટી આદત?……’ ડૉ સુહાનીએ તો અભણ રમીલાની સામે પ્રશ્ર્નોની કતાર લગાવી દીધી.
‘ઑમ તો ક્યારેક ક્યારેક જ થાય સ, હોળી હતી એટલે ગોમડે ગ્યાં’તા, ગોમડે જઈએ તા’રે ઈને આવાં ચોંદા પડતાં હોય એવું લાગે સ, કુન જાણે એને તાં નું પોણી માફક નઈ આવતું હોય.’ બટકબોલી રમીલાએ બોલવાનું ચાલુ જ રાખ્યું,
‘થોડો ટેમ પેલ્લાં મું નરેશને લઈને મારી જેઠાણીના શ્રીમંતમાં ગોમડે ગઈ’તી, ત્યારે ઈને ઈક-બે દા’ડા તાવ આયો’તો, મારાં જેઠ અને સસરા કીતા’તા કે ઈને કોઈની નજર લાગી લાગે સ.’
અમે તો લેમ્બુ ય ઉતાર્યું ને હનમાંનજી એ શ્રીફળે વધેર્યું પણ કૉઈ દા’ડોના વળ્યો બા’. ડૉ સુહાની ડોકું હલાવતા રહ્યાં અને રમીલાની ભાષાને ડીકોડિંગ કરીને સમજવાનો પ્રયન્ત કરતાં રહ્યાં.
‘મારાં ઇમને તો એમ લાગતું’તું કે લોહી જોમ થઇ ગ્યું સ, મારાં જેઠનેય તે એવું જ લાગ્યું’તું.’
‘ગોમડામાં દાક્તરે પણ ઈ જ કીધું કે નરયાને તાળવે લોહીના પોપડાં બાઝી ગ્યાં સ.’ આને હું કરવું કૉઇ હમજાતું નથ, મારો નરયો હરખુ ખાઈએ નઈ હક્તો, ઇનું દુઃખ મારાહી નઈ જોવાતું મડમ.’
‘ચિંતા ના કર રમીલા, બધું જ સરસ થઇ જશે, આ બે દવા લખી આપું છું, દિવસમાં 2 વાર જમ્યાં પછી આપજે અને એક લીકવીડ છે દિવસમાં ત્રણ વખત એને કોગળાં કરાવજે, મને અઠવાડીયા પછી પાછા બતાવવાં આવજે.’
‘અઠવાડિયા પસી તો નઈ ફાવે, દહ-પંદર દા’ડા તો થશે જ અમારાં જેઠ બીમાર સે એટલે પાસા ગોમડે જઉં પડસે’
‘સારું સારું, અહીંયા અમદાવાદ આવે એટલે નરેશને તરત બતાવી જજે’, ‘દવા સમયસર આપતી રહેજે અને હા..બીજી વાર બતાવવાં આવે તો એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી ઓ.કે. ચાલ આવજે.’
ડૉ સુહાનીના સ્વભાવ પ્રમાણે આવા અજુકતા કેસને સારવાર આપવાથી એને ખુબ સંતોષ થતો હતો, અને આ તો અઢી વર્ષનો નરેશ કોઈક અજાણી બીમારીથી જ પીડાતો હતો. આ કેસ જેટલો લાગતો હતો એટલો સીધોસાદો હતો નહીં.
દસ-પંદર દિવસ નહીં પણ પુરા સવા મહિને એ જ સમસ્યા સાથે રમીલા પાછી નરેશને લઇને દવાખાને આવી. આ વખતે એની સાથે દિનેશ અને એનાં જેઠ પણ જોડે હતાં. જેઠ પણ એમનાં ઈલાજ માટે જ અમદાવાદ આવ્યાં હતાં. આમ તો રમીલાનાં જેઠ ઘરનાં મોભી હોવાથી સારાં નરસા સમયમાં હંમેશા એ લોકોની સાથે જ રહેતા.
‘આવ..આવ..રમીલા, ફાઈલ જોતાં ડૉ સુહાનીએ ઠપકો આપતાં કહ્યું, ‘પંદર દિવસનો તો તમે લોકો એ સવા મહીનો કરી નાખ્યો, કેવું છે હવે નરેશને?’
‘મડમ, વચમાં થોડાં દા’ડા હારું લાગતું’તું, જરૂર પડે ગોમમાં દાક્તર પાહે બી લઈ ગ્યાં’તા, ઈમણે પન કીધું જ કે નરયાને કંઈક ખાવામાં સદતું નથ’ રમીલાને પુછાયેલા સવાલનો જવાબ એનાં જેઠે આપ્યો.
ઇંગ્લેન્ડથી ભણીને આવેલ પીડિયાટ્રિક સ્પેશ્યલિસ્ટ ડૉ સુહાનીને હવે થોડી જાણ થવા લાગી હતી કે નરેશની આ સમસ્યાનું કારણ શું છે. હવે ડૉ સુહાનીએ જ દિશામાં જાણવાનો પ્રયાસ કર્યો.
‘રમીલા, ગયા વખતે મેં નરેશના જીનેટિક રિપોર્ટ પણ કરાવ્યાં હતાં. એ બધાં જ નોર્મલ છે. સારું મને એ બતાવ કે, નરેશ સમયસર ખાય તો છે ને?’
‘હોવે મડમ, મું કૉક બ્હારે ગઈ હોઉં તો ઈને મારાં સાસુ કે જેઠાણી જમાડે.’
‘નરેશ ક્યાંક આજુબાજુમાં રમવાં જાય છે ખરો?’
‘ના મૅડમ, અમારાં ફળિયામાં ઈનાં જેવડાં સોકરાઓ જ નથ!’
સારું રમીલા, તે જેમ કીધું કે એને થોડાં દિવસો સારું લાગતું હતું ત્યારે કોઈ એવું થયું હતું કે જે રોજ કરતાં કંઈક અલગ હોય.
રમીલા એ એક હાથે માથે ઓઢેલ સાડીનો પાલવ પકડીને બીજાં હાથે હોઠ પર આંગળી મુકતા આનો પણ નકારમાં જ જવાબ આપ્યો. ‘ના…ના…ઈ તો મારાં સાસુ મેલડીમાંના દર્શને ચાર દા’ડા જાત્રા કરવાં ગ્યાં’તા, ત્યાં જ ઈમણે માઁને પ્રાર્થના કરી ઇસે, ઈટલા જ દા’ડા ઈને હારુ રયું.’’
ડૉ સુહાની જે દિશામાં જઈ રહ્યાં હતાં ત્યાં પણ એને પૂરતી સફળતા મળતી ન હતી.
થોડું ઘણું ભણેલાં, દેખાવમાં એકદમ સીધાં સાદા અને સજ્જન લાગતા રમીલાના જેઠે જીજ્ઞાશાવૃત્તિ દાખવી, ‘એક મિનટ મડમ, તમે આ પાડોશીને તોં જવાનું અને જમવાનું બધું ચમ પુસો સો?’
‘જુઓ ભાઈ, મને આ ચાઇલ્ડ અબ્યુઝ હોવાનો શક લાગે છે.’ ડૉ સુહાનીએ વધુમાં ફોડ પાડતાં આગળ સમજાવ્યું, ‘આવા ચાઇલ્ડ અબ્યુઝ કેસીસ અમારે બહુ જ આવતાં હોય છે, પરિવારના જ કોઈ સભ્ય કે પાડોશીઓએ બાળકને એમનાં ગુપ્તાંગો પર ચૂંટલા ભર્યાં હોય, નાના ડામ આપ્યાં હોય, વ્હાલ કરવાનાં બહાને બચકાં ભર્યાં હોય વિગેરે વિગેરે.’
‘પણ મડમ, આવું કોઈ અમારાં નરયા હાથે ચમ કરે? અમારે ચો કોઈની હારે દુસ્મની સ!’ ડૉ સુહાનીને દિનેશનો અવાજ પહેલી વાર સાંભળવા મળ્યો.
જો કોઈને આપણાં માટે ઈર્ષા, વેરઝેર વિગેરે હોય…..’
‘ઓહોહો…નક્કી તો આ મારી બાયડીના જ કારસ્તાન લાગ સ, મડમ અમારે એકેય સોકરાં નહીં અને એ હંમેશા કીયા કરે કે નાનાં ભાઈને સોકરાં સ ને આપણે વાંઝા જ રીયા…..જો એવું હોય તો ઇનો ધણી મરે!! હમણાં ઇના ટાંટિયા ભાંગું અને હાચુ બોલાવરાવું.’
મિત્રો, ત્યારબાદ થોડાં સમય પછી ડૉ સુહાનીને જાણવાં મળ્યું કે નરેશ હવે તદ્દન સાજો થઇ ગયો છે. નરેશનું અસહ્ય દર્દ જોઈને રમીલાએ માતાજીની બાધા માની હતી અને એનાં જ પેંડા આપવાં રમીલા અને દિનેશ હોસ્પિટલ આવ્યાં હતાં.
જેઠાણી પાસેથી જ જાણવાં મળ્યું હતું કે એ કારસ્તાન જેઠાણીનું નહીં પણ રમીલાની સાસુનું હતું. જયારે જયારે પણ રમીલા નરેશને એમની પાસે મૂકીને ક્યાંક બહાર જાય એટલે એની સાસુ નરેશને દૂધ પીવડાવે કે ખવડાવે એ પછી રૂનું એક પૂમડું એસીડમાં ડુબેડે અને એ પૂમડું સળીમાં ભેરવીને નરેશનાં તાળવે ચોપડી દે.
દિનેશ શહેરમાં રહેતો હતો એ એની સાસુને ખૂંચતું હતું. રમીલાની સુંદરતા અને શહેરમાં રહેવાંથી રમીલાની રહેણીકરણી પણ એનાં સાસુથી અસહ્ય હતી.
બીજું કે મોટાંભાઈને એક પણ બાળક ન હતું એ પણ મુખ્ય કારણ હતું. એટલે એ બધી જ દાઝ એ એનાં પૌત્ર નરેશ પર ઉતારતી હતી.
પીડિયાટ્રિશીયન ડૉ સુહાનીએ અનેક ચાઇલ્ડ અબ્યુઝનાં કિસ્સાઓ સોલ્વ કરેલ છે. પણ આ કિસ્સો કંપારી ચડાવી દે તેવો હતો.
અનેક વખતની જેમ આજે પણ ડૉ સુહાનીને એનાં અનુભવ અને તબીબી હોવાનો ગર્વ થયો.
આ કોઈ વાર્તા નથી પણ વાર્તાના માળખાંમાં બનેલી સત્ય ઘટના દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. બેટી બચાવો આંદોલન, સતી પ્રથા, બાળ લગ્ન જેવાં અનેક મુદ્દાઓ પર જાગૃતિ અભિયાનો ચાલતા હોય છે, ચાઈલ્ડ અબુઝીંગ પણ આપણાં સમાજમાં એટલો જ મોટો પ્રશ્ન બનતો જાય છે. આ કિસ્સા ઉપરથી સ્પષ્ટ થાય છે કે માત્ર નાની બાળકી જ નહીં પણ બાળક પણ આવાં ચાઈલ્ડ અબુઝીંગનો ભોગ બની શકે છે.
બહુ સરસ અને સંવેદનશીલ વાર્તા!
Get Outlook for Android
________________________________
LikeLiked by 1 person
🙏
LikeLike
સરસ વાર્તા!
LikeLiked by 1 person
🙏વંદન
LikeLike