Month: April 2021

HopeScope Stories Behind White Coat – 7 Maulik Nagar “Vichar”

અધુરૂ જ્ઞાન આફત નોતરે! –
“First Aid એટલે માત્ર પાટાપિંડી જ નહીં, પણ સૂઝ, સમજ અને સાવચેતી સાથે કરેલ સમયસરની સહાય”

‘First Aid વિદેશમાં લોકોને પાંચમાં ધોરણથી જ શીખવાડવામાં આવે છે, એનો મતલબ એવો કે 10વર્ષનો બાળક પણ આવી કોઈ પણ મેડિકલ ઇમેર્જન્સીને પ્રાથમીક સારવાર આપવાં સક્ષમ હોય છે. કમનસીબી છે કે આપણાં દેશમાં, આપણી સ્કૂલિંગ સિસ્ટમમાં કે સામાન્ય પ્રજાને “પ્રાથમીક સારવાર” વિશે જાગૃતિ જ નથી અને એનાં જ કારણે આપણાં દેશમાં અનેક મૃત્યુ થાય છે, જો પ્રથમ દસ કે પંદર મિનિટની અંદર જ દર્દીને પ્રાથમીક સારવાર મળી જાય તો એને બચવાની સંભાવના વધી જાય. જયારે પણ કોઈને અચાનક હાર્ટ અટેક, ખેંચ, બર્ન,બ્લીડીંગ, પોઇઝનિંગ, ચોકીંગ વિગેરે જેવી સમસ્યા ઊભી થાય ત્યારે શું ઈજનેર, અકાઉન્ટન્ટ, મેનેજર કે ડૉક્ટર પણ દર્દીને પ્રાથમિક સારવાર આપવાં સક્ષમ હોય છે?’ ધારદાર ભાષણ સાથે ડૉ નિશાએ વર્કશોપની શરૂઆત કરી.

ડૉ નિશા ઇમેર્જન્સી સારવારના નિષ્ણાત હોવાથી સોસાયટીઓ, સરકારી સંસ્થાઓ કે સ્કૂલો માટે અવારનવાર આવાં “પ્રાથમીક સારવાર”ના વર્કશોપનું આયોજન કરતી હતી. ડૉ નિશા માટે ગર્વની વાત એ હતી કે આજે તેનો આ પાંચસોમો વર્કશોપ હતો.
હાર્ટ અટેક, ખેંચ, બર્ન જેવી સમસ્યા વખતે શેની તકેદારી રાખવી તે પદ્ધતિસર સમજાવ્યાં બાદ જેવો ચોકીંગનો છેલ્લો મુદ્દો આવ્યો ત્યાં જ પ્રેસેંટેશનનો સ્લાઈડ શૉ અટકાવીને પ્રોજેક્ટરના અજવાળામાં ડૉ નિશા ક્યાંક ખોવાઈ ગઈ અને ગહેરી નિરાશામાં સરી પડી.


‘રેખા..ઓ..રેખા..તું જાય તે પહેલાં સ્વરનાં બધાં જ રમકડાં ભરી દેજે, નહીં તો એની મમ્મી મારી સામે ઘાંટા પાડશે’ જાગૃતિબેન બેંકમાં મેનેજર હતાં પણ ઘરમાં એમનું એક ન ચાલે.
બંને દીકરા કમાતા ધમાતા, નાના દીકરા હર્ષની વહુ ભાવિની પણ સારા પગારવાળી નોકરી કરે. મોટો દીકરો વિવેક અપરણીત હતો. હર્ષ અને ભાવિનીનો 2 વર્ષનો દીકરો સ્વર હજી હમણાં જ ખાંભોળીયા ભરતાં શીખ્યો હતો એટલે એને માટે અલગ અલગ સમયે બે આયાઓ રાખી હતી. એકનો સમય 10થી 4 અને બીજી આયાનો સમય 4થી 10.
આજે શનિવાર હોઈ જાગૃતિબેન ચાર વાગતાં પહેલા જ ઘરે આવી ગયાં હતાં.
સોફાની નજીક રમકડાંઓ જોડે રમતાં સ્વરને ગાલ પર બચ્ચી કરી, રેખાને રમકડાંઓ ભરવાનો ઓર્ડર કરી જાગૃતિબેન કપડાં બદલવાં પોતાનાં રૂમમાં ગયાં.
ઘડિયાળમાં એક બાજુ 4 વાગ્યાનાં ટકોરાં સંભળાયાં અને બીજી બાજુ રેખા તો પોતાનું પાકીટ લઇને જવા તૈયાર થઇ ગઈ.
બીજી આયા આવે ત્યાં સુધી રાહ જોવાની તસ્દી પણ ન લીધી અને રેખા એ જાગૃતિબેનના રૂમનો દરવાજો ખખડાવતાં કહ્યું, ‘મું જાઉં સુ બા.’
અંદરથી સાડીનો પાલવ સરખો કરતાં જાગૃતિબેન હજી તો બહાર આવીને કંઈ પૂછે તે પહેલાં તો ધરનો મુખ્ય દરવાજો બંધ થતાં સંભળાયો.
‘આ રેખાડી પણ છે ને, નીરુના આવવાની રાહ પણ નથી જોતી, આ બધાં રમકડાં પણ હજી એમનાં એમ રાખ્યાં છે.’ જાગૃતિબેને ડાઇનિંગ ટેબલ પરથી પોતાનાં ચશ્માં લીધાં અને પૌત્ર સ્વરની નજીક રમકડાં વીણવાં ગયા.
જાગૃતિબેન રમકડાં વીણવાં સ્વરની નજીક પહોંચ્યા અને જોયું તો સ્વર ખાંસવાનો પ્રયત્ન કરતો હતો પણ મોઢામાંથી અવાજ જ નીકળતો ન હતો.
આ દ્રશ્ય જોઈ જાગૃતિબેનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું પણ બે-બે છોકરાં મોટાં કર્યાં હોવાનો અનુભવ હોવા છતાંય ઘભરાયેલાં જાગૃતિબેને રેખા…રેખા..નામનાં ચિત્કાર સાથે એણે સ્વરની પીઠ થાબડી.
બે-ચાર વખત પીઠ થાબડવાથી સ્વરના ગળામાંથી કંઈક બહાર આવ્યું પણ સ્વરના હાંફવાના કારણે એ પાછું ગળી ગયો.
સ્વરનું ભૂરું પડતું શરીર જોઈ જાગૃતિબેનનો તો જીવ જ ઊડી ગયો. ધ્રૂજતાં હાથે જાગૃતિબેને ભાવિનીને ફોન લગાવ્યો. મીટિંગમાં વ્યસ્ત ભાવિની ફોન ઉંચકી તો ન શકી પણ એ જ સમયે સમયસર આવવામાં બેદરકાર નીરુ આવી પહોંચી.
જાગૃતિબેન અને નીરુ બંને રીક્ષામાં બેસીને નજીકના દવાખાને ગયાં, એ દરમ્યાન હર્ષ સાથે સંપર્ક થતાં જાગૃતિબેને આખી પરિસ્થિતિની જાણ કરી.
હર્ષ અને ભાવિની પણ દવાખાને પહોંચી ગયાં.
સ્વરનું ભૂરું પડી ગયેલું શરીર જોઈ દવાખાનાના કમ્પાઉન્ડરમાંથી ડૉક્ટર બની ગયેલાં સાહેબે એને કોઈ મોટી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવ્યું.
ભાવિની અને હર્ષની ધીરજ પણ હવે ખૂટી રહી હતી.
‘નિશા, બેટા જયાઆંટી બોલું છું, D-101માંથી’, જાગૃતિબેનને યાદ આવ્યું કે પોતાની પાડોશી નિશા હમણાં જ પરદેશથી ઇમર્જન્સી ડૉક્ટરનું ભણીને આવી છે.
‘હા, આંટી બોલો, જય શ્રી કૃષ્ણ’ નિશાના નામથી જ ભાવિની અને હર્ષમાં એક આશા જાગી.
જયા બહેને જય શ્રી કૃષ્ણનો ઊત્તર તો ના આપ્યો પણ પોતાનો બાળ કૃષ્ણ સ્વર કંઈક ગળી ગયો હોવાની જાણ કરી.
હંમેશા ખડે પગે ઊભી રહેતી નિશાએ કહ્યું કે, ‘તમે ચિંતા ના કરો આંટી, હમણાં જ હું ત્યાં ICUવાળી એમ્બ્યુલન્સ મોકલાવું છું, તમે બધાં એમાં જ બેસીને બેમિનિટ જ દૂર આવેલી ગાલા હોસ્પીટલ પહોંચી જાઓ, હું અને મારી ટીમ હમણાં જ ત્યાં પહોંચીયે છીએ.’
ડૉ નિશાના કહેવાથી એમ્બ્યુલન્સ સમયસર પહોંચી તો ગઈ પણ સાંજનો સમય હતો અને “ટ્રાફીક કહે મારું કામ”, બે મિનિટનું અંતર કાપતાં દસ મિનિટ થઇ ગઈ.
એમ્બ્યુલન્સ પહોંચી એ પહેલાં જ ડૉ નિશા સ્વરની રાહ જોઈને ત્યાં હોસ્પિટલમાં હાજર જ હતી.
એમ્બ્યુલન્સ હોસ્પીટલ પહોંચતાં જ સ્વરનું Resuscitation ચાલું કરી દીધું, પણ સ્વરનું હૃદય પણ હવે કામ કરતું બંધ થઇ ગયું હતું. ગાલા હોસ્પિટલના પીડિયાટ્રિક ઇન્ટેન્સીવિસ્ટ પણ ત્યાં હાજર જ હતાં. સતત CPR આપતાં સ્વરનું હૃદય ધબકવાનું તો ચાલું થઇ ગયું પણ સ્વરને વેન્ટિલેટર પર મુકવો હવે જરૂરી હતો. સ્વરને વેન્ટિલેટર પર મુકવા માટે ડૉ નિશાએ જેવી ટોર્ચ એનાં ગળામાં નાખી તો સ્વરની સ્વર પેટીમાં ફસાઈ ગયેલો એક ભમરડો દેખાયો. ગમેતેમ કરીને સ્વરના ગળામાંથી ભમરડો બહાર તો કાઢ્યો પણ લાંબા સમય સુધી મગજમાં ઓક્સીજન ન પહોંચવાના કારણે એનું બ્રેઈન ડેડ થઇ ગયું હોય એમ લાગતું હતું.
‘જયાઆંટી, તમે સ્વરની છેલ્લી હલનચલન ક્યારે મહેસુસ કરી હતી’ આઘાતમાં બેઠેલાં જાગૃતિબેન પાસે આવીને ડૉ નિશાએ પૂછ્યું.
‘બેટા, મને યાદ છે ત્યાં સુધી હું અને નીરુ રીક્ષામાં બેઠાં ત્યારે એનું માથું મારાં ખભા પર ઢળી પડ્યું હતું, ત્યાર બાદ એનાં શરીરમાં કોઈ જાતનું હલનચલન ન હતું’
ઘડિયાળની સામે જોતાં ડૉ નિશાએ મિનિટ્સની ગણતરી કરી અને કહ્યું, ‘ઓહ, ઇટ્સ મૉર ધેન ટ્વેન્ટી મિનિટ્સ.’


પ્રેસેંટેશનમાં “Heimlich Maneuver” દર્શાવતી ચોકીંગની છેલ્લી સ્લાઈડ પ્રોજેક્ટરમાં ચેન્જ કરતાં ડૉ નિશાએ આ વર્કશોપને વિરામ આપ્યો અને બીજી વર્કશોપ સુધી નિરાશાને પણ વિરામ આપ્યો.