
ડૉટર!!!
“સોનિયા..તું કહેતી હોય તો કંકુ ચંદન લઈને તને ઊપર ઉઠાડવાં આવું, આ કંઈ તારી હોસ્ટેલ નથી!” પ્રગતિબેનની આ રોજની કચકચ હતી.
સવાર સવારમાં એમનાં આવાં નકામાં બૂમ બરાડા ચાલુ થઇ જાય. ત્યાંથી ગુજરતા ભંગારવાળાને પણ થઇ જાય કે આપણું કોઈ નવું પ્રતિસ્પર્ધી આવ્યું છે.
“મમ..મમ..મમ્મી, આ..આ..આવું છું, તૈયાર તો થ.થ….” સોનિયા બોલવામાં થોડું હકલાતી હતી, બોલતી વખતે એની જીભ ઉપડતી ન હતી. જો ઉપડતી હોત તો પ્રગતિબેન ઉપડવા ના દેત.
“તારા લાલી લિપસ્ટિકના કારણે મામા મામી રાહ જોઈને બેઠાં ના રહે, તું એકલી નવાઈની નથી ભણી, નીચે આવ જલ્દી નાસ્તો ઠંડો થઇ જશે.”
પ્રગતિબેનનો સ્વભાવ પહેલાંથી જ ચીડિયો હતો. ઉછેર એમનો ગામડામાં થયો હતો. થોડું ગણું તો ભણ્યાં હતાં. એમનાં આખાં પરિવારમાં શિસ્ત હતી પણ એમનામાં જ થોડી કચાશ રહી ગઈ હતી.
એકની એક દીકરી સોનિયાને પ્રગતિબેન હંમેશા દબાઈને જ રાખતા હતાં. પપ્પાનું પણ ઘરમાં એક ન ચાલે. એમને તો એ ભલા અને એમનો ધંધો ભલો.
“આવી તારી ભાણી, ટાપટીપ તૈયાર થઇને.” મામાની દીકરીના લગ્ન હોઈ મામા અને મામી કંકોત્રી આપવાં આવ્યાં હતાં.
“મમ..મમ્મી તું પણ શું? અ..અમારે તૈયાર થઈને જ..જ..જઉં પડે.” સોનિયા એ બધાથી નજર નીચી રાખીને જ ઉત્તર આપ્યો.
“દાક્તરીનું ભણી છે તો તારું આ બોલવાનો પણ કંઈક ઈલાજ કર, તો અમે પણ આવી રીતે તારી કંકોત્રી આપવાં જઈ શકીયે.”
“અરે પ્રગતિ તું પણ કેવી વાત કરે છે, થવાં કાળે બધું થઇ જશે.” મામા એ સોનિયાનું ઉપરાણું લીધું. સારું હતું મામામાં સોનિયાની બે મા જેવાં ગુણ ન હતાં.
સોનિયા સ્વભાવે સાવ ગાય જેવી હતી.
‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ પણ અહીંયા તો દીકરી સોનિયાને કોઈ દોરનાર ન હતું, એની જાતે જ સોનિયા ભણીગણીને ડૉક્ટર થઇ હતી.
સોનિયાની હોસ્પિટલમાં એને બધાં “મૅડમ-મૅડમ” કરે અને ઘરે આવે એટલે એની કમાયેલી બધી ઈજ્જત પ્રગતિબેન એક જ ઝટકે ઉતારી દે.
‘મા..મા..રિદ્ધિ નથી આવી?’
“ના બેટા..હું અને મામી તો એક્ટિવા પર આવ્યાં છીએ”, બહું બધી જગ્યાએ કંકોત્રી આપવાની છે એટલે સમય અને પૈસા બંનેની બચત થાય.”
મામા એ મામીને કોણી મારતાં વધુમાં ઉમેર્યું, “કોસ્ટ કટિંગ યુ સી”.
“પ..પ..પણ મામા તમે તો હેલ્મેટ પણ નથી પહેરતા, આવી બે..બે..બેદરકારી કરો તો આપણને જ જો..જો….”
વાક્ય પત્યું ન પત્યું અને પ્રગતિબેન ટપકી પડ્યાં.
“તું ચિબાવલી પ્રસંગ ટાણે જ આવાં વિચારો કરે છે. બસ, તને તો બધામાં ખોડ ખાંપણ જ દેખાય છે. પોતાનું કર પહેલાં…”
“પ્રગતિબેન, એની વાત પણ એકંદરે સાચી જ છે, હું પણ એનાં પપ્પાને આ બાબતે બહું જ ટોકું છું, પણ એમની તો એકનો એક જ ડાયલોગ કે “ફાટવાની હશે તો ગમે ત્યારે ટિકિટ ફાટી જશે!” મામીએ સોનિયાનાં બચાવમાં સત્ય પીરસ્યું.
“સારું મા..મામા હું હોસ્પિટલ જઉં, બી સેફ…ક..ક..કંઈ કામ હોય તો કહેજો.”
“લો..બધું ટેબલ પર એમનું એમ મૂકીને ઉપડ્યાં, સોનિયા તું કોઈ જ કામની નથી.” આ તો પ્રગતિબેનનું પોતાનું મેદાન હતું એટલે તેઓ સોનિયાને ઉતારી પાડવાની એક પણ તક છોડતાં ન હતાં.
સ્વાભાવિક છે કોઈને વાંક વગર બધાંની વચ્ચે આવી રીતે ઉતારી પાડે તો ખાવાનો કોળીયો શું ગળેથી થૂંક પણ નીચે ન ઉતરે અને સોનિયા તો ભણેલી ગણેલી ન્યુરો સર્જન હતી.
“અરે મૅડમ, તમને જ શોધતી હતી અને તમે અહીંયા કેન્ટીનમાં ચાની ચુસ્કી મારો છો, લો આ ‘ડેરી મિલ્ક’.” જુનીયર ડૉ કીંજલે ચક્મકીત ચોકલેટનો ડબ્બો એની તરફ ધરતા કહ્યું.
“એ..એ..એની ગુડ ન્યુઝ?”
“મૅડમ, હવે સ્કુટીને ટાટા-બાય-બાય, કાલે જ મેં નવી કાર છોડાવી, ‘હોન્ડા જેઝ-ઓટોમેટિક'”, આંખ મચકાવતાં ડૉ કીંજલે વધુમાં ઉમેર્યું,
‘મે’મ તમે તો મારાં મેન્ટર છો, તમારી એકેએક સલાહ મારાં માટે તો પથ્થર કી લકીર જેવી છે, સારું થયું તમે મને આ સ્કૂટી છોડીને ગાડી લઇ લેવાની સલાહ આપી.’
“જોગાનુજોગ તો જુઓ તમને શોધતી શોધતી હું ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં ગઈ હતી ત્યાં હમણાં જ એક મેલ પેશન્ટ આવ્યું છે. RTAનું (રોડ ટ્રાફિક એક્સિડન્ડ) પેશન્ટ છે, હેડ ઈંજરી છે, હમણાં જ તમારાં નામનો કોડ એનાઉન્સ થશે, જો…જો…”
કીંજલની વાત પતી ના પતી અને હોસ્પિટલની કેન્ટીનના સ્પીકરમાં ટ્રોમા કોડ એનાઉન્સ થયો.
હેડ ઇન્જરીનો મામલો હોવાથી સોનિયા તાત્કાલિક ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ તરફ દોડી, દૂરથી પેશન્ટના બે સંબંધી મહિલાઓ બીજાં જુનિયર ડૉક્ટર્સ સાથે માથાઝીંક કરતાં નજરે પડ્યાં.
સોનિયાની ચાલવાની ગતિ ફાસ્ટ થઇ ગઈ.
“તમે પેશન્ટ પાસે અંદર ન જઇ શકો.”
“ડોન્ટ વરી મૅડમ, ડૉ. સોનિયા ઇસ કમિંગ ઈન જસ્ટ વન મિનિટ!” રઘવાયેલાં સંબંધીને આશ્વાસન આપતાં એક જુનિયર ડૉક્ટરે કહ્યું,
ડૉ. સોનિયા નજીક આવતાં જ તૂટ્યાં ફૂટ્યાં અંગ્રેજીમાં શબ્દો એનાં કાને પડ્યાં, ‘સી ઈજ નોટ ઓન્લી ડૉક્ટર સોનિયા, સી ઈજ માય ડૉટર.’
ડૉટર શબ્દ કાને પડતાં જ સોનિયાના મોંઢામાંથી એક અધૂરી ચીસ સરકી ગઈ….”મા….મા….”
આ ચીત્કારમાં ખબર ન પડી કે સોનિયાનાં મામાનાં અકસ્માતના કારણે એણે મા..મા..ચીસ પાડી કે પ્રથમ વખત એની માના મોઢેથી સાંભળેલ “ડૉટર શબ્દનો” હરખ હતો.
