
શિવમ, આ તારા રોજ રોજના નાટકો વધી ગયાં છે.’ રશ્મિના મગજનો પંખો આજે ફાસ્ટ ફરતો હતો.
‘મમ્મી, મને બહું જ માથું દુ:ખે છે, સાચ્ચે કહું છું.’
રોજ બરોજના બહાનાંથી હવે રશ્મિને પણ જાણ થઇ ગઈ હતી કે સ્કૂલે જવું ના પડે એટલે શિવમ બહાનાં કાઢતો હોય છે.
‘મમ્મી સાચ્ચે કહું છું’ શિવમની આંખોમાં પાણી આવી ગયા અને હાથ પણ ધ્રૂજવા લાગ્યાં.
“મારો દીકરો, મારો શિવુ” કહી કહીને તે જ છાપરે ચડાવ્યો છે’,’શિવમ તને ખબર છે ને છાપરે કોણ હોય?’ સુકેતુએ પણ શિવમ અને રશ્મિ બંનેને આડે હાથે લઇ લીધા.
‘મમ્મી….પપ્પા…’ નેટવર્ક વગરના રેડીયા જેવો અવાજ આવ્યો અને શિવમ જમીન પર પટકાઈ ગયો.
ગાદલા જેવું પેટ, ઓશીકા જેવાં ગાલ. નિસ્તેજ ચહેરો, હંમેશા કમ્પ્યુટરમાં મોઢું નાખીને બેસવાની આદતના કારણે વળી ગયેલી ડોકવાળું, જાડું એવું શિવમનું આ મહાકાય શરીર રશ્મિએ જમીન પર અસ્તવ્યસ્ત હાલતમાં પડેલું જોયું.
‘શિવુ….’ મમ્મી એ રાડ પાડી અને સુકેતુએ ગાડી કાઢી.
‘ડૉકટર મૅડમ, શિવમ કેટલાંય દિવસથી માથું દુઃખે છે, છાતીમાં દુઃખે છે, ગળામાં દુઃખે છે, મગજની નસ ખેંચાય છે, એવી ઘણી બધી જાતજાતની ફરિયાદો કરી ચૂક્યો છે.
છેલ્લાં એક મહીનામાં હોસ્પિટલની અમારી આ પાંચમી મુલાકાત છે.’ સુકેતુએ અથથી ઇતિ સુધી બધું જ આ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. પ્રિયાને જણાવ્યું.
ડૉ. પ્રિયા સુકેતુની વાતો તો સાંભળતા જ હતા પણ એમનું ધ્યાન સતત શિવમ ઉપર જ હતું. શિવમ હવે ભાનમાં હતો એટલે પ્રિયાને થયું કે શિવમને શું થાય છે એ એને જ પૂછવું યોગ્ય છે.
પ્રિયા શિવમ પાસે ગઈ તો ખરા પણ શિવમે એની ઝાઝી નોંધ ના લીધી. પ્રિયાએ ખોંખારો ખાઈને શિવમને પૂછ્યું કે, ‘તને શું થાય છે શિવમ?’
‘કંઈ નહીં, હું તો બહુ થાકી ગયો હતો.’ શિવમે હાથ પર ખંજવાળતા બેદરકારી ભર્યો જવાબ આપ્યો.
‘શિવમ તું કમ્પ્યુટર કે સ્માર્ટ ફોનમાં ગેમ રમે છે?’ પ્રિયાએ કાકલૂદી કરતાં લાડમાં પ્રશ્ન પૂછ્યો.
અરે મૅડમ, કમ્પ્યુટર પર જાતભાતના વિડીયો, સ્માર્ટ ફોનમાં ડબલ પ્લેયર્સની ગેમ્સ, ટિક્ટોક, પબજી અને સ્નેપ ચેટ પર મિત્રો સાથે ટાઈમ પાસ એ જ એની દિનચર્યા છે.
શિવમે પાછું મોઢું બગાડ્યું.
‘તને કોઈ ચોક્કસ સમયે જ માથું કે છાતીમાં દુખે છે કે……’ ડૉ. પ્રિયાએ તો શિવમને જ પ્રશ્નો પૂછવાના ચાલુ રાખ્યા.
‘હું જયારે ક્રિકેટ રમુ કે ટેનિસ રમુ ત્યારે મને છાતીમાં દુખે.’
‘કોઈ ચોક્કસ પ્રકારના શોટ મારે ત્યારે દુખે?’
‘એવું તો નહીં, ક્યારેક દુખે ક્યારેક ના દુખે, ક્યારેક હાથ-પગ દુખે, મને ખબર નથી મને શું થાય. આ તો મને આખો દિવસ ઊંઘ જ આવ્યા કરે. પણ વધારે પડતું મગજની નસમાં સણકા વાગે’ અલ્લા તલ્લાં કરતાં શિવમે હજી પણ બરોબર સહકાર ના આપ્યો.
પ્રિયાને એક ભાળ તો મળી ગઈ કે શિવમ એની સમસ્યા કહી શકતો નથી, ક્યાંતો કહેવાં માંગતો નથી.
‘મિ. સુકેતુ, આપણે શિવમનો MRI કરાવી લઈએ અને જોઈએ કોઈ ન્યુરોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર લાગે તો આપણે એમને કન્સલ્ટ કરીશું.’
થોડીક જ ક્ષણોમાં શિવમનો MRI રિપોર્ટ આવી ગયો. MRI રિપોર્ટ સાવ નોર્મલ હતો.
પહેલા તો લાગ્યું કે પરીક્ષા કે અપૂરતી ઊંઘના કારણે કદાચ એ પડી ગયો હશે, પણ આટલા બધાં લક્ષણો હતાં અને સુકેતુભાઇના કહેવા પ્રમાણે છેલ્લાં મહિનામાં શિવમને ઘણી બધી વખત હોસ્પિટલ લઇ જવો પડ્યો છે. સાથે સાથ એનાં ચહેરા પર કોઈ ભય દેખાતો નથી.
આમ તો હોસ્પિટલમાં એડમિટ કરવાનું કોઈ કારણ જણાતું ન હતું. શિવમ ત્યાં હાજર જ હતો એટલે પ્રિયાએ એની છાતીમાં દુખાવાની ફરિયાદને પણ ધ્યાનમાં લઇને હાર્ટની રીધમ, ECG વગેરે પણ તપાસ્યા, એમાં પણ બધું જ નોર્મલ હતું.
શિવમને કોઈક બીમારી હશે એનાં કરતાં હવે શિવમને શું બીમારી છે એ પકડાતું ન હતું એ સુકેતુ અને રશ્મિ માટે મોટું ચિંતાનું કારણ હતું.
શિવમના બધા જ ઇન્વેસ્ટિગેશન નોર્મલ આવતાં હવે ડૉ પ્રિયાએ શિવમને રજા આપવાનું જણાવ્યું અને કહ્યું કે આ કોઈ થાક કે ડિહાઈડ્રેશનના કારણે લાગે છે. એને લીકવીડ વધારે આપજો, સારું થઇ જશે.
પ્રિયાના મનમાં હજી પણ ગુથ્થી સુલઝતી ન હતી. પ્રિયાને મન હજી પણ ઇન્વેસ્ટિગેશનમાં કંઈક કચાશ લાગતી હતી.
જો શિવમ એકાદ વખત જ બેભાન થયો હોત તો નક્કી થાક, અપૂરતી ઊંઘ, પરીક્ષાનું ટેન્શન કે ડિહાઈડ્રેશન હોઈ શકત પણ સુકેતુભાઇના કહેવા પ્રમાણે શિવમને કોઈક બીમારી એવી તો હતી જ કે જે પકડાતી ન હતી.
સુકેતુ, રશ્મિ અને શિવમ ત્રણેય જણા બહાર જવા ઊભાં જ થતા હતાં ને ત્યાં જ પ્રિયાએ તેમને અટકાવ્યાં.
‘સુકેતુભાઈ, આપણે શિવમનો CT સ્કેન પણ કરાવી જોઈએ’. હાલાકી CT સ્કેનની જરૂર હતી તો નહીં પણ એનાં અનુભવના કારણે કંઈક એબ્નોર્મલ તો છે એવી પ્રિયાને ખાતરી હતી.
મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ હોઈ CT સ્કેન મશીન ત્યાં જ હતું. શિવમને સ્કેનીંગ મશીનમાં સૂવડાવ્યો અને ડૉ પ્રિયા મોનીટર રૂમમાં સ્ક્રીન પાસે જ ઊભી રહી. સ્કેનીંગ ચાલુ થયું.
રિબ કેજ, હાર્ટ વેસલ્સ, ફેફસાં બધું જ નોર્મલ હતું. ડૉ પ્રિયા હવે હતાશ જણાતી હતી. ડૉ પ્રિયાના કપાળે કરચલીઓ પડવા લાગી,
ફટાક કરી તાળી પાડીને પ્રિયા કૂદી પડી, ‘ગોટ ઈટ’, ‘સમથીંગ ઇસ રોંગ’. પ્રિયાએ બારીકાઈથી જોયું, શિવમના બંને હાથમાં નાના નાના એર બબલ્સ હતા. પ્રિયા દોડતી શિવમ પાસે ગઈ અને એનાં શર્ટની બાંય ઊંચી કરીને જોઈ અને ચોંકી જ ગઈ.
‘આ શું?’ નાના નાના કાળા ડાઘા પડ્યાં હતાં.
પ્રિયાએ સુકેતુ અને રશ્મિ પાસે આવીને કહ્યું, ‘પ્લીઝ આનાં રૂમની તપાસ કરો. શિવમને હું અહીંયા જ એડમીટ રાખું છું.’ જો તમને કંઈ પણ અજુગતુ મળે તો તરત જ મને ફોન કરો.’
અડધો કલાકના અરસામાં જ પ્રિયાના ફોન પર સુકેતુનો ફોન આવ્યો.
રડમસ અવાજે સુકેતુએ જણાવ્યું ‘મૅડમ અહીંયા ઘણી બધી સિરીંજ અને નાના બોરની સોય મળી છે, શું આ DRU…?’ બોલતાની સાથે જ સુકેતુ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો.
‘મિ. સુકેતુ, કંટ્રોલ યોરસેલ્ફ, આ DRUGS નથી.’
‘તો…’
‘એ બધો જ સામાન લઈને તમે બંને પાછા હોસ્પીટલ આવો, હું તમને જણાવું.’
‘મિ. સુકેતુ, મેં સાઈકિયાટ્રીક સ્પેશ્યાલિસ્ટ પણ બોલાવેલ છે. આપણે શિવમને ઘણું બધું કાઉન્સેલીંગ પણ કરવું પડશે.’
‘એ જુઓ’, કાચના દરવાજા પાસેથી ડૉ પ્રિયાએ રૂમની અંદર આંગળી ચીંઘી.
ઓરેન્જ જ્યુસનો ગ્લાસ હાથમાં લઈને શિવમ ડૉક્ટર સાથે મજાની વાતો કરતો હતો.
‘તમારા કહેવા પ્રમાણે એને ભણવું ગમતું નથી, સ્કૂલે જવું ગમતું નથી, એ બધાંથી છુટકારો મેળવવા એણે આર્ટિફિશ્યલ-કમ-નેચરલ રસ્તો શોધ્યો. આવાં બાળકો કોમ્પ્યુટર પર આવાં અવનવાં નુસ્ખાઓ શોધતા હોય છે.’
‘જરૂર એણે આ તરકીબ યુટ્યૂબ કે એવા કોઈ માધ્યમથી શીખી છે. આ બધી જ સિરીંજ અને નાના બોરની સોય એ કોઈ મેડીકલ સ્ટોરમાંથી લાવ્યો છે અને જયારે પણ એને સ્કૂલે ના જવું હોય ત્યારે થોડાં સમય પહેલાં એ ૦.૫ મીલી ગ્રામની હવા સિરીંજ વાટે નસમાં ભેળવે એટલે એને આવું ડિઝીનેસ અને ચક્કર આવે.’
‘શરૂઆતમાં તો એ ઇંજેક્શન લેતાં ડરતો હતો એટલે એને જ્યાં જ્યાં જાડી ચામડી હતી ત્યાં જ એ ઇંજેક્શન લેતો હતો’,’પછી તેને ફાવટ આવી જતા ૦.૫ મિલી ગ્રામથી માંડી ૧ ગ્રામ એર લેવાનું ચાલુ કર્યું.’
‘આનાથી થોડીક જ ક્ષણોમાં એને ડિઝીનેસ થાય અને ચક્કર આવીને ફસડાઈ પણ પડે.’
‘મૅડમ તમને કોણે જણાવ્યું’ લાળવાળા દુપટ્ટાનો એક છેડો મોઢાં પર દબાવીને રોતાં રોતાં રશ્મિએ ડૉક્ટરને પૂછ્યું.
‘અત્યારે તે ઓડિયો વિડીઓ કાઉન્સેલીંગ રૂમમાં છે અને અમારી હોસ્પિટલના સાઈકિયાટ્રીક સ્પેશ્યાલિસ્ટ ડૉ. અનંત સાથે જ એ વાતો કરે છે અને હમણાં જ એણે એની જાતે જ ગામડેથી આ સીરીંજ અને નીડલ લાવવાની વાત કબૂલી છે અને આ નુસખો એણે યુટ્યૂબ જેવાં માધ્યમ પરથી શીખ્યો હોવાનું જણાવ્યું.’
‘આવો તમારે શિવમ અને ડૉ અનંતની વાતો સાંભળવી હોય તો તમને કેબીનના સ્પીકરમાં સંભળાવું.’
‘સર, હવે તો મને ઇંજેક્શન મારતા આવડી ગયું છે, તો હું પણ તમારી જેમ ડૉક્ટર બની શકીશને’ શિવમના ચહેરા પર પહેલી વખત આજે ભણવાની આશા જાગતી દેખાઇ.