અત્ર તત્ર સર્વત્ર, કુદરત હંમેશા આપણી આસપાસ અજરામર છે, આવી અનુભૂતિ મને મારા જીવનમાં અનેક દિવ્ય અનુભવોથી થઇ છે. આ કોઈ વાર્તા નથી પણ અક્ષરશહઃ સાચે સાચ બનેલો પ્રસંગ છે. પ્રસંગ એટલે કહીશ કારણકે ક્યાંક મેં લખ્યું હતું કે, “પ્રસંગ એટલે પ્રભુનો સંગ”. આ પ્રસંગને મેં શબ્દો કે રૂઢીપ્રયોગોથી શણગારવાનો કોઈ જ પ્રયન્ત નથી કર્યો. સહજતાથી પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આપ સર્વેને આ પ્રસંગ ગમશે.
રોજના જેવો મારો આજ દેજે,
એકેએક પળનો હીસાબ લેજે,
લઇ લેવું હોય તો લઇ લેજે બધું રાજી થઇને,
પણ, સૌથી પહેલી કડવાશ લેજે.
– મૌલિક “વિચાર”

દરવાજો ખુલતાની સાથે “ગુલાબી આંખે, જો તેરી દેખી”ના મધુર સૂરો પિયાનો પર વાગતા સંભળાયા સાથે હડભડીમાં બોલતા પટ્ટાવાળા રજનીકાકાનો અવાજ પણ મારા કાને પડ્યો.
‘સર, આજુબાજુમાંથી કોઈ ડોક્ટરને બોલાવી લાવું?’
‘અરે ના…ના… કાકા થોડી વાર સુઈ જઈશ એટલે સારું થઇ જશે! કોઈ ખાસ કામ ના હોય ત્યાં સુધી મને ઉઠાડતા નહિં.’ મારા રેકોર્ડિંગ સ્ટુડિયોના ખૂણામાં સૂતા સૂતા મેં જવાબ આપ્યો. મારા અવાજમાં આજે થોડી અકળામણ હતી.
‘સર, પણ સવારથી તમે આમ રિબાયા કરો છો.’ દવા લઇ આવો તો સારું થઇ જશે.’
‘કાકા, આમ ક્લાસ છોડીને નીકળાય એમ નથી, પરમ દિવસે ૧૨૦ છોકરાઓની લંડન કોલેજ ઓફ મ્યુઝીકની થિયરીની પરીક્ષા છે.’ મારા અવાજમાં ખુબ જ થકાન અને માંદગી જણાતી હતી.
એક તો ૧૨૦ વિદ્યાર્થીઓની પરીક્ષાનો વહીવટ, પરીક્ષાની તૈયારીઓ, વાલીઓના તીર જેવા ધારદાર સવાલો અને ઉપરથી આ આંખનું ઇન્ફેકશન, બધું જ સાથે આવ્યું હતું.
મને આંખમાં ઇન્ફેકશન અને ભયંકર માથાના દુખાવાના લીધે ઊંઘ તો આવતી ન હતી પણ સ્ટુડીઓની બહાર મ્યુઝીક ક્લાસીસમાં થતી બધી ચહલ પહલ સંભળાતી હતી.
‘હેલ્લો…અનલિમિટેડ મ્યુઝીક ક્લાસીસ’, કાકાનો લહેકો અદ્દલ કોલ સેન્ટર પરથી ફોન કરતા યુવક જેવો હતો.
‘હું અતુલ ભટ્ટ બોલું છું, મારે મૌલિક સર સાથે વાત કરવી છે’
‘સર તો મીંટીંગમાં છે’, ગાંધીજીના ભક્ત કાકાને આજે જુઠું બોલવું પડ્યું હતું, જોકે એમની ભક્તિ પણ નોટ સુધી જ સીમિત હતી.
‘વાંધો નહી, એમને કહેજોને કે મેં મેટર ઇમેઇલ કરી દીધી છે, બસ ખાલી એમણે સહી સિક્કા જ કરવાના છે, હું હમણાં એકાદ કલાકમાં લઇ જઈશ.’
‘ઓકે’ કહી કાકાએ ફોન મુક્યો અને તેમણે મારી મનપસંદ આદુની ચા બનાવવા માટે પેન્ટ્રીમાં પ્રસ્થાન કર્યું.
ત્યાં જ વળી પાછી ઘંટડી વાગી. આ વખતે ફોનની નહીં પણ ક્લાસીસના મુખ્ય દ્વાર પર લગાવેલ મેગ્નેટીક લોકના બેલની હતી. સીધા સાદા પહેરવેશમાં એક દંપતી રિસેપ્શન પાસે આવ્યું.
‘ભાઈ, મારા બાબાને ગીટાર શીખવું છે.’ પહેરવેશથી એ દંપતી સુશિક્ષિત તો લાગતું ન હતું એટલે બાબા બેબી કરે એ સહજ હતું.
‘હા સાહેબ, આ inquiry ફોર્મ ભરી આપો.’ રજનીકાકા એ વિનંતી કરી.
ફોર્મ લઈને કાકા સ્ટુડિયો તરફ ગયા તો ખરા પણ એમના મનમાં કંઈક અસમંજસ ચાલતી હતી. આ ભાઈને આપણી ફીસ પોસાશે કે નહીં?, આના માટે સરને જગાડું કે નહીં? વિગેરે વિગેરે…
હું માથું પકડીને હજુ સુવાનો પ્રયત્ન કરતો હતો અને ત્યાં જ કાકા એ સ્ટુડિયોમાં આવી inquiry ફોર્મ આપ્યું.
મોઢા પર થોડો થાક અને અણગમો બંને હતા પણ છતાંય એકાદ સારો વિદ્યાર્થી મળે એ લાલચે હું આંખ ચોળતો ચોળતો મારી ઓફિસમાં ગયો.
દેખાવમાં સાવ સીધુંસાદું દંપતી ત્યાં બેઠું હતું, મેં પણ મારી કોર્સ, ફી, શીખવાડવાની પદ્ધતિ વિગેરે સમજાવવાની ટેપ ચાલુ કરી દીધી. એ દિવસે મારા અવાજ અને આત્મવિશ્વાસમાં થોડી ઉણપ હતી. જેનું કારણ મારા આંખનું ઇન્ફેકશન અને માથાનો ભયંકર દુખાવો હતો.
એકેડેમીની પ્રથા પ્રમાણે હું એ દંપતીને ક્લાસરૂમ્સની વિઝિટ કરાવવા એકેડેમીની અંદર લઇ ગયો. જેમ તેમ મને-કમને એકેડેમીના એકએક કલાસરૂમ તો બતાવ્યા અને પિયાનો, કીબોર્ડ વગેરેનો તફાવત પણ સમજાવ્યો, કલાસીસના સમય અને દિવસનું નક્કી કરતા કરતા આઠ ફૂટના કોરિડોરને ચાલતા જાણે આઠ પ્રહર લાગ્યા હોય એવું લાગ્યું.
હંમેશની આદત મુજબ દરેક મિટિંગ પછી હું મુલાકાતી હોય કે વાલી એમને છેક દરવાજા સુધી મુકવા જઉ, આ દંપતી સાથે પણ મેં એમ જ કર્યું. તેઓ દરવાજો ખોલીને બહાર જવા નીકળ્યા, એકાદ બે બીજા મુલાકાતીઓ પણ બેઠા હતા, જેમને જોઈને મારા તો મોતિયા જ મરી ગયા.
ખેર, અંદરની બાજુ મેં બે ડગલાં જ ભર્યા હશે અને રજની કાકા એ મને ઓફિસ પાસે જ રોક્યો અને કહ્યું પેલા દંપતીને વળી પાછું મળવું છે.
દરેક વાલીથી એક જાદુઈ સવાલ પૂછવાનો રહી જ જતો હોય છે, નક્કી આ જાદુઈ સવાલ પૂછવા જ પાછા આવ્યા છે. એ જાદુઈ સવાલ છે “મારા બાબા/બેબીને સંગીત કેટલા ટાઈમમાં આવડી જાય?”
પણ મારી ધારણાથી કંઈક વિપરીત જ થયું, પેલું દંપતી મારી પાસે આવ્યું, પેલા ભાઈ મારી નજીક આવ્યા અને ખાલી હું જ સાંભળી શકું એવા અવાજે મને પૂછ્યું, ‘સર આપની સાથે દસેક મિનિટ જેટલી વાતો કરી અને એ દરમ્યાન તમે સતત તમારી આંખ ચોળતા હતા..
મારા નકારાત્મક વિચારો પાછા ચાલુ થયા કે રખેને જો મને કન્ઝક્ટિવાઈટિસ હોય તો અમને ચેપ પણ ચેપ લાગશે એવા આરોપોનો ગોળીબાર ચાલુ કરશે.
એટલે મેં પણ જબરદસ્તી સ્મિત સાથે કહ્યું, ‘અરે ના..ના.. આ તો હું સાઇકલ લઇને આવું છું એટલે કચરો પડ્યો હોય એવું લાગે છે.
મારો જવાબ પૂરો થયો ના થયો અને એ ભાઈ એ કીધું, આમ ઓફિસમાં લાઈટ નીચે આવો હું જોઈ આપું, હું અને મારા પત્ની બંને ઓપ્થેમોલોજિસ્ટ છીએ, અમારી ક્લીનીક અહીંયા નારણપુરામાં જ છે.
આ વાક્ય સાંભળતા જ કાકાની આંખો ચાર થઇ ગઈ, કેમકે એમણે મારી સાથે થયેલ આવી ઘણી ઘટનાઓ રૂબરૂ જોઈ છે. અને મારા માટે એ ઘટનાઓ નહીં પણ ચમત્કારો જ છે.
ખેર, પેલા ભાઈ એ મારી આંખના પોપચાં આડાંઅવળાં કર્યા અને કહ્યું કે આંખમાં ઇન્ફેકશન છે, હું તમને આ ટીપાં લખી આપું છું, દિવસમાં ત્રણ વખત ચાર-ચાર ટીપાં નાખજો. જો તો પણ સારું ના થાય તો મને ક્લીનીકે બતાવી જજો.
મારી પાસે એક જ ઉદ્ગાર હતો, ‘Thank You Sir’.
ના….ના….વાર્તાનો પૂર્ણ વિરામ અહીંયા નથી થતો. કલાઈમેક્સ તો અભી બાકી હૈ!!!
કાકાને એ દવા લખેલી ચબરખી આપી અને નીચે અપોલો ફાર્મસીમાંથી લઇ આવા જણાવ્યું. આદત મુજબ પેલા ફરીસ્તાની જેમ આવી પહોંચેલ દાક્તર સાહેબને દરવાજા સુધી મુકવા ગયો અને બીજા એક મુલાકાતી બેઠેલા એમને પૂછ્યું, ‘ભાઈ કોનું કામ છે?’
‘હું અતુલ ભટ્ટ, મારે મૌલિક સરને મળવું છે.’
મેં કહ્યું, ‘આવો આવો, હું જ મૌલિક છું, કહો કઇ રીતે હું મદદ કરી શકું?’
‘સર, મારી દીકરી રિંકલ ફિગર સ્કેટીંગ કરે છે. એણે બેલ્જીયમ ફિગર સ્કેટીંગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે ફોર્મ ભરેલ છે, સ્પર્ધામાં ૫ મિનિટ થાય એવા ૨ અંગ્રેજી ગીતો સિલેક્ટ કરવાના છે.
‘સ્પર્ધાના નિયમ અનુસાર કોઈ સંગીત નિષ્ણાત પાસેથી એ ટ્રૅક્સનું પ્રમાણપત્ર લેવાનું છે કે એ ગીતોની સ્પીડ, ટાઈમસિગ્નેચર, ગીતનો પ્રકાર વિગેરે ફિગર સ્કેટીંગ સ્પર્ધાના નિયમ મુજબ છે.’
ઇમેઇલમાં એમના નિયમો અને પેલા ૨ ટ્રૅક્સ તમને મોકલ્યા છે. જો તમારા લેટરહેડ પર સહી સિક્કા કરી આપશો તો મારી દીકરીની સ્પર્ધા માટે ભરેલ એપ્લિકેશન અપ્રુવ થઇ જાય.’
એમને શું જોઈતું હતું તે સમજીને એમણે જ મોકલેલા એ ઈમેલની મેં પ્રિન્ટ કાઢી અને યોગ્ય લાગતા મેં સહી સિક્કા કરી દીધા.
દીકરી હવે સ્પર્ધામાં ભાગ લઇ શકશે એ ખુશી અતુલભાઈના ચહેરા પર છલકતી હતી. એક હાથ પાછળના ખિસ્સામાં નાખતા મને પૂછ્યું, ‘સર કેટલો ચાર્જ થયો’.
‘બ્રાહ્મણ ગુજરાતી દીકરી આંતરરાષ્ટ્રીય સ્તરે જઈને સ્પર્ધામાં ભાગ લે એ તો આપણા માટે ગર્વની વાત છે, એ કાર્યમાં હું જો થોડો નિમિત્ત થઇ શકું તો એ મારુ ભાગ્ય છે.’
‘તમત્યારે દીકરીને મારા વતી શુભેચ્છાઓ આપજો.’ આ વાક્યથી જ એમના આત્મવિશ્વાસમાં અનેકઘણો વધારો થઇ ગયો.
થોડી વાર મારી આંખ સામે જોઈને કહ્યું કે ‘સાહેબ, તમને આ આંખમાં શું થયું છે વારેઘડીયે ખંજવાળ્યા કરો છો’
વાક્ય પત્યું ત્યાં તો કાકા હાથમાં ટીપાની બાટલી લઈને આવી ગયા, હું હાથમાં પકડું એ પહેલા જ પેલા અતુલભાઈ એ કાકાના હાથમાંથી બાટલી હાથમાં લીધી અને કહ્યું, પરફેક્ટ છે સર, ચાર ટીપાં જશે અને રાત સુધીમાં તો તમે રેડી થઇ જશો.
હું અને કાકા અવાચક બની એકબીજાની સામે જ જોઈ રહ્યાં…….
ત્યાં વાળી પાછા સંગીતના સૂરો સાથે સંભળાયું,
‘હું અને મારા પત્ની બંને ઓપ્થેમોલોજિસ્ટ છીએ, અમારી ક્લીનીક અહીંયા નવરંગપુરામાં જ છે.’