therapy

HopeScope Stories Behind White Coat – 2 / Maulik Nagar “Vichar”

ये परिंदे भी कितने नादान है,
मेहफूस हाथो को पहचान नहीं पाते.

By Maulik Nagar “Vichar”

‘મૅડમ, ખાલી પાંચ જ દિવસ, જેવા માંના દર્શન થશે એટલે તરત જ એસ.ટી બસમાં પાછો આવી જઈશ’, હોસ્પિટલના અટેન્ડન્ટ રઘુ એ ઘભરાતા સ્વરે ડૉ રૂચિતાને અરજી કરી.
‘અલ્યા ભાઈ, અઠવાડિયામાં ચાર દિવસ તો તું કોઈકના કોઈક બહાને વહેલો જાય છે, મોડો આવે છે, રજાઓ પાડે છે. અમને એવું છે કે આટલું બધું ભણ્યા પછી અમે તારા પગારદાર છીએ.’ ડૉ રૂચિતાનો પિત્તો આજે એમેય ગયો હતો. ઉપરાછાપરી દર્દીઓ આવતા હતા, હંમેશની માફક સ્ટાફની શોર્ટેજ અને ઉપરથી સંચાલકો સાથેની રોજબરોજની કચકચ.
તમે ભણ્યા એ જ તો તમારો પ્રોબ્લેમ છે, સંભળાય નહીં તેવી રીતે લુચ્ચું હસતા રઘુ બોલ્યો.
‘શું કહે છે?’
‘અરે ના મૅડમ આતો એમ કહેતો હતો કે બહુચર માઁની બાધા માની હતી કે દીકરાનો જન્મ થશે તો બહુચરાજી પગપાળા દર્શન કરી આવીશ અને એ બહાને દીકરાને અને મારી ઘરવાળીને પણ ગામડે મળી અવાય’ રઘુના સ્વરમાં હવે થોડી નફ્ફટાઈ અને બેદરકારી છલકાઈ.
‘આ મહીનામાં તો રજા નહીં જ મળે’ ડૉ રૂચિતા એ પણ હવે કડકાઈ દેખાડી
‘પણ મૅડમ…’
‘ જા…જા… હવે કામે વળગ’ ડૉ રૂચિતા એ રઘુને જાકારાનો ઈશારો કર્યો.
‘અમારા માટે તો અમારું પરિવાર પહેલા, બાકી બધું પછી મૅડમ. અમે કઈ ગુલામ નથી, અંગ્રેજો જતા રહ્યાં અને……..’રઘુ પણ અકળામણમાં બબડતા બબડતા ત્યાંથી નીકળી ગયો.

રઘુની આખી બપોર ડોક્ટરો, દર્દીઓ અને વહીવટીકર્તાઓને ગાળો આપવામાં જ ગઇ.
‘નાચવું નહીં એને આંગણું વાંકુ’
બાધા કે બૈરાં છોકરાને મળવાનું તો માત્ર બહાનું જ હતું, પણ ચાલીના મિત્રો સંગાથે મોજ કરતા કરતા પગપાળા જવું એ જ મુખ્ય કારણ હતું.

પોતાની શિફ્ટ પતાવી સાંજની શિફ્ટના ડૉક્ટરને હેન્ડ ઓવેર આપી ડૉ રૂચિતા ઉતાવળે ઘરે જવા માટે નીકળ્યા. બીજા દિવસે એમના પતિનો જન્મદિવસ હોઈ આજે તો એમના માટે સરપ્રાઇસ કેક બનાવવાની ઈચ્છા હતી.
ઘરની ગલીની પાસે જ રૂચિતા એ થોડી ભીડ ઊભેલી જોઈ, એને મનમાં થયું કે નક્કી કોઈક એક્સિડેન્ટ થયો છે. એમણે પણ સીગ્નલ આપીને ગાડી સાઈડ પર ઊભી કરી દીધી.
ભીડને ‘ડૉક્ટર છું…ડૉક્ટર છું… ‘કહેતા આગળ વધ્યા અને એક વૃદ્ધ અર્ધ બેભાન અવસ્થામાં કણસતા જોયા.
‘અરે….કનુકાકા…!!!!’ જોતાવેંત જ ડૉ રૂચિતાએ એમ્બ્યુલન્સને ફોન કર્યો અને કનુકાકાને CPR આપવાનું ચાલુ કરી દીધું. જમા થયેલી ભીડને દૂર રહેવાના ઈશારા સાથે ડૉ રૂચિતાએ વળી પાછો ફોન લગાવ્યો,
‘હેલો ડૉ અર્પણ, ડૉ રૂચિતા હીઅર, યુ પ્લીઝ કોલ અવર ઓન કોલ ન્યુરો ફિઝીશ્યન એન્ડ કાર્ડિયોલોજિસ્ટ. કનુકાકા ઇસ ઈન કાર્ડીયેક અરેસ્ટ.’

હોસ્પિટલના ઇમર્જન્સીના ડિપાર્ટમેન્ટના ગેટ પર સાયરન મારતી એમ્બ્યુલન્સ આવી પહોંચી, ડૉ રૂચિતા પણ એ જ એમ્બ્યુલન્સમાં આવ્યા હતા. ડૉ રૂચિતાની ટીમ પણ ત્યાં રાહ જોઈને ઉભી જ હતી.
‘સિસ્ટર, તમે રજીસ્ટ્રેશન કરાવો.
ડૉ પ્રણવ, એમને રિસસ બેડ પર લઇ લઈએ.’

‘કનુકાકા કાર્ડીયેક અરેસ્ટમાંથી તો રિવાઇવ થઇ ગયા છે પણ હાર્ટની મેજર વેસલ બ્લોક હોય એવું લાગે છે, માટે સ્ટેન્ટ મૂકીને બ્લોક ઓપન કરવો પડશે’, ECG જોતાં કાર્ડીઓલોજીસ્ટ ડૉ પ્રણવે કહ્યું.
‘એમના ઘરેથી કોઈ આવેલ છે?’
‘વેઇટ સર, રઘુ અહીંયા જ હશે, એની શિફ્ટ પતવાને હજી વાર છે.’
શરીરથી સાવ લેવાઈ ગયેલા, મેલા ઘેલા કપડામાં, કાપડની થેલી લઇ નીકળેલા આ કનુકાકા બે વર્ષ પહેલા જ રિટાયર્ડ થયેલા આ જ હોસ્પિટલના સિનિયર અટેન્ડન્ટ અને રઘુના પિતા હતા. છ-આઠ મહિના પહેલા જ કનુકાકાની ભલામણથી આ રખડેલ દીકરા રઘુને હોસ્પિટલે કામ પર રાખ્યો હતો.
‘મૅડમ, બધા ફલોર પર તપાસ કરી દીધી રઘુનો ક્યાંય પણ અતોપતો નથી, અને એનો ફોન પણ સ્વીટ્ચ ઓફ આવે છે.’ બીજા અટેન્ડન્ટે કહ્યું.
‘ઓહ માય ગોડ, હી મસ્ટ હેવ લેફ્ટ ફોર …….’ રૂચિતાને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો કે રઘુ કહ્યા વગર જ બેદરકાર બનીને બહુચરાજી જવા નીકળી ગયો છે.
રઘુનો ફોન તો ન લાગ્યો અને પરિવારના કોઈ સભ્ય સાથે સંપર્ક પણ ન થઇ શક્યો. હવે નિર્ણય લેવામાં વધુ સમય બગાડાય એવો ન હતો. સારવારમાં વિલંબ ન થાય અને વધુ ખર્ચ પણ ન થાય તે હેતુથી બે ત્રણ ઇમર્જન્સીના ડોક્ટર્સ, ડૉ પ્રવણ અને ડૉ રૂચિતાએ જ નિર્ણય લેવાનું નક્કી કર્યું.

ભારે ધર્મસંકટ હતું. કેમ કે જો આ ખાનગી હોસ્પિટલમાં રાખીયે તો કનુકાકાને ખર્ચ ન પોસાય અને સ્ટેન્ટ મુકાવવું ખુબ જ જરૂરી હતું.
અંતે કનુકાકાને ક્લોટ ઓગાળવાનું ઇન્જેક્શન આપ્યું જેથી થોડાક સમયમાં ECG નોર્મલ થઇ ગયો અને કનુકાકા પણ ભાનમાં આવવા લાગ્યા.
ત્યાર બાદ Angiography માટે સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. જ્યાં સદ્નસીબે ડૉ પ્રણવ અને ડૉ રૂચિતા બન્ને વિઝિટિંગ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા એટલે સ્ટેન્ટ મુકવાની પ્રોસિજર અને ફોલોઅપના પૈસાનો સવાલ જ ન હતો અને સરકારી હોસ્પિટલ હોઈ રૂમ અને બીજા ટેસ્ટમાં પણ રાહત મળી જાય.
કનુકાકાની સારવાર સમયસર થતા હવે એમણે ધીરે ધીરે ચાલવાનું પણ ચાલુ કરી દીધું હતું અને બે દિવસથી સવાર સાંજ ડૉ રૂચિતા એમની ખબર અંતર પૂછી જતા હતા.
ચાલીના એક છોકરા થકી જ રઘુને પપ્પા હોસ્પિટલમાં હોવાની જાણ થઇ અને તુરંત જ એ અમદાવાદ આવવા નીકળી ગયો. એસ. ટી સ્ટેન્ડથી સીધો જ સરકારી હોસ્પિટલ પહોચ્યો. કનુકાકા પાસેથી આખી ઘટનાની વિગતવાર જાણકારી મળી. પોતાના વર્તન પર રઘુને ખુબ પસ્તાવો થયો. રૂચિતા મૅડમને આભાર વ્યક્ત કરવા અને માફી માંગવા એ હોસ્પિટલે પહોંચી ગયો.

‘મેડમ..અંદર આવું?’ ભીની આંખે, ધીમા સ્વરે રઘુએ દરવાજો નોક કર્યો.
‘અરે રઘુ, આવ આવ, કનુકાકાને મળ્યો?’
‘હા મૅડ…..’રૂંધાતા કંઠે રઘુ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો અને રૂચિતા મૅડમનો આભાર માનવા લાગ્યો અને પગે પડી માફી માંગવા લાગ્યો.
‘અરે..રે.રે…આમ ગાંડપણ ના કર રઘુ, હોસ્પિટલના સ્ટાફના સભ્યો પણ મારો પરિવાર છે. અને મારા માટે તો મારું પરિવાર પહેલા બાકી બધું પછી…..લે આ કેક ખા, અપર ક્રસ્ટની છે.’